શું તમે જાણો છે , કે તમે તમારી પોતાની SMS ચેનલ પણ બનાવી શકો છો ? જોવો કેવી રીતે .

આ SMS સર્વિસ ગૂગલે છેક ૨૦૦૮માં  ચાલુ કરી, નામ છે ગૂગલ એસએમએસ ચેનલ્સ. ગૂગલની આદત મુજબ આ સર્વિસ હજી પણ તેના લેબમાં ચાલતા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે. મજાની વાત એ છે કે આ સર્વિસ ગૂગલની ઇન્ડિયા લેબની જ દેન છે અને હાલમાં માત્ર ભારતના મોબાઇલ ધારકો માટે જ ઉપલબ્ધ છે.
આ એક ફ્રી સર્વિસ છે - જેનો ઉપયોગ કરીને તમે અનેકવિધ બાબતો અંગેના એસએમએમ મેળવવા માટે જુદી જુદી ચેનલ્સ સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઇચ્છો તો તમે પોતે તમારી એસએમએસ ચેનલ શરૂ કરીને તમારાં ટેરવાં થકી અનેકનાં હૈયાંને સ્પર્શી શકો છો.

રસ પડ્યો હોય તો વિગતવાર વાત કરીએ? પહોંચો http://labs.google.co.in/smschannelsપર. સર્વિસનો લાભ તમે મોબાઇલની મદદથી પણ લઈ શકો છો, પણ જરા મોટા સ્ક્રીન પર, ઝાઝા લખાણ પર નજર દોડાવવી ગમતી હોય તો ઇન્ટરનેટ પરથી જ શ્રીગણેશ કરો તો સારું. સાઇટ પર પહોંચ્યા પછી ગૂગલના (એટલે કે જીમેઇલના) એકાઉન્ટના યૂઝરનેમ, પાસવર્ડથી લોગઇન થાઓ.  તમે નોંધ્યું હોય તો, લોગઇન થયા પહેલાં તમે વિવિધ ચેનલ્સ બ્રાઉઝ કરી શકશો, પણ તેમાં સબસ્ક્રાઇબ કરવા માટેનું બટન એક્ટિવ નહીં હોય. લોગઇન થયા પછી તે એક્ટિવ થઈ જશે.

હવે પહેલાં આપણે ધારી લઈએ કે તમને વિવિધ વિષયના એસએમએસ મેળવવામાં વધુ રસ છે. તો ડાબી તરફ નજર દોડાવો, અહીં બિઝનેસ, એજ્યુકેશન, એન્ટરટેઇન્મેન્ટ, ફાઇનાન્સ, જોક્સ, હેલ્થ, જોબ્સ, સ્પોટર્સ, ટેક્નોલોજી વગેરે વિવિધ કેટેગરી દેખાશે. કોઈ પણ ક્લિક કરો, અથવા પહેલેથી જે નજર સામે છે એ એડિટર્સની પસંદગીની ચેનલ્સ પર નજર દોડાવો. ઉતાવળા થઈને સીધા સબસ્ક્રાઇબર બટન પર આક્રમણ કરવાને બદલે લિંક પર ક્લિક કરી જે તે ચેનલમાં થોડા ઊંડા ઊતરજો. કેમ કે માત્ર આ સર્વિસ ગૂગલની છે, ચેનલ્સ નહીં. જે તે ચેનલના પેજ પર જઈ તમે એ ચેનલ કેવાક એસએમએસ મોકલે છે તેના પર નજર દોડાવી શકશો. ભરોસાપાત્ર અને તમારા ઉપરાંત બીજા કોઈ આ એસએમએસ જુએ તોય વાત વાંધાજનક ન લાગે તો સબસ્ક્રાઇબ કરી દો!

હવે માનો કે તમને બીજાને એસએમએસ મોકલવાનો શોખ છે. તો જમણે નજર દોડાવો અને લાગતાવળગતા બટન પર ક્લિક કરીને પોતાની ચેનલ શરૂ કરવાના પેજ પર પહોંચો. ચેનલનું નામ અને કેવી માહિતી આપવા ઇચ્છો છો તે જણાવી આગળ વધો.

અહીંથી, ગૂગલની આ સર્વિસ બીજી એસએમએસ સાઇટથી થોડી અલગ કેમ પડે છે તે સમજાશે. અહીં તમે તમારી પોતાની સાઇટ, બ્લોગ કે બીજી કોઈ સાઇટ પર મૂકાતી નવી માહિતીના આરએસએસ ફીડ કે ગૂગલ ન્યૂઝ પર કોઈ ચોક્કસ કીવર્ડ (જેમ કે ઇન્ડિયા, ગુજરાત કે નરેન્દ્ર મોદી) સર્ચ કરવાથી મળતા ન્યૂઝને તમારી પોતાની એસએમએસ ચેનલ પર ઑફર કરી શકો છો,  જે આપોઆપ વાયા તમારી ચેનલ, તમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરનારા લોકોના મોબાઇલ પર પહોંચી જશે. અથવા ઇચ્છો તો દરેક વખતે પોતાની રીતે નવા એસએમએસ ટાઇપ કરીને પોસ્ટ કરી શકો છો.

મહત્ત્વની વાત એ છે કે અહીં તમે પોતે બીજાને ધરાર તમારા સબસ્ક્રાઇબર બનાવી નહીં શકો. જે લોકો પોતે ઇચ્છીને સબસ્ક્રાઇબર બને તેમને જ તમારા એસએમએસ પહોંચશે (ઘણા એસએમએસપીડિતોને આ વાંચીને હાશ થશે).
બીજી વાત, આમાં ગૂગલના પોતાના કોઈ ચાર્જ નથી, પણ તમારા મોબાઇલ પરથી તમે જે એસએમએસ મોકલો તેનો લાગુ પડતો ચાર્જ ચડશે. હા, ગૂગલ એટલી ચોખવટ કરે છે કે તમે સાઇટ પરથી કે મોબાઇલ પરથી જે એક એસએમએસ અનેકને મોકલશો તેનો ફક્ત એક જ એસએમએસ જેટલો ચાર્જ લાગુ થશે.
તમે દિવસમાં કેટલી સંખ્યામાં, કયા સમય દરમિયાન એસએમએસ મેળવવા ઇચ્છો છો, મોબાઇલ પરથી આ સર્વિસનો લાભ કેવી રીતે લેવો એ બધી વાત સાઇટમાં થોડી વધુ ખણખોદ કરવાથી જાણી શકશો  જો એસએમએસ કરવા ને વાંચવામાંથી નવરા પડો તો.

Comments